2 Corinthians 11

1હું ઇચ્છું છું કે તમે મારી થોડીઘણી મૂર્ખતાને સહન કરો; પણ તમે સહન તો કરો છો જ. 2કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઇ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.

3પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય. 4કેમ કે જો કોઈ આવીને જેમને અમે પ્રગટ કર્યા નથી તેવા બીજા ઈસુને પ્રગટ કરે અથવા જે આત્મા તમે પામ્યા ન હતા તેના જેવો આત્મા તમે પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી ન હતી તેના જેવી સુવાર્તા સ્વીકારો; તો તેને ખૂબજ સહેલાઈથી સહન કરવામાં તમને શાબાશી ઘટે છે.

5મને નથી લાગતું કે તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતાં હું કોઈ પણ પ્રકારે ઊતરતો છું. 6પણ જો કે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી; આ બાબત અમે સર્વ પ્રકારે અને જેમ અન્યની સમક્ષ તેમ તમને જણાવી છે.

7તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું? 8તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં. 9વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો; કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી; અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ.

10જેમ ખ્રિસ્તનું સત્ય મારામાં છે તેમ, અખાયાના કોઈપણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને રોકી શકશે નહિ. 11શા માટે? શું એ માટે કે હું તમારા ઉપર પ્રેમ રાખતો નથી? ઈશ્વર જાણે છે હું પ્રેમ રાખું છું.

12પણ હું જે કરું છું, તે કરતો રહીશ, કે જેથી જેઓ, જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓને લાગ મળતો હું અટકાવું. 13કેમ કે એવા માણસો જુઠ્ઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તના પ્રેરીતોનો વેશ ધરનારા છે.

14આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ ધરે છે; 15તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનો પરિણામ આવશે.

16હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું. 17જે હું કહું છું, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું. 18સાંસ્કારિક બાબતે ઘણા અભિમાન કરે છે, માટે હું પણ કરીશ.

19કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તમે મૂર્ખોનું સહન કરો છો! 20કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે, તો તમે તેનું સહન કરો છો. 21જાણે કે અમે અબળ હતા, એવું હું પોતાને હલકો ગણતાં કહું છું; પણ જેમાં કોઈ હિમ્મતવાન છે તેમાં હું પણ હિમ્મતવાન છું; (આ હું મૂર્ખાઈથી બોલું છું.)

22શું તેઓ હિબ્રૂ છે? હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? હું પણ છું. શું ઇબ્રાહિમનાં સંતાન છે? હું પણ છું. 23શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું મૂર્ખની માફક બોલું છું) હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત બેહદ ફટકા ખાધા છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.

24પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા, 25ત્રણવાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો. 26ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, પરદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં,

27શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું. 28આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે. 29કોણ અબળને જોઈને, હું અબળ થતો નથી? કોણ ઠોકર ખાય છે અને મારું હૃદય બળતું નથી?

30જો અભિમાન કરવું પડશે, તો હું મારી નિર્બળતાનું અભિમાન કરીશ. 31આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.

32દમસકમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને, દમસ્કીઓના નગર પર ચોકી પહેરો ગોઠવ્યો. પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને [નગરની બહાર] ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો.

33

Copyright information for GujULB